સોમવાર, 5 ઑગસ્ટ, 2013

આઇટી અભ્યાસ ક્ષેત્રે ગુજરાતની પહેલ

આઇટી અભ્યાસ ક્ષેત્રે ગુજરાતની પહેલ

ગાંધીનગર :
આજે  ગાંધીનગર ખાતે સમગ્ર દેશમાં સૌ પ્રથમ એવા ઇન્ડીયન  ઇન્સ્ટીટયુટ  ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, વડોદરાના ઉદ્દઘાટન સમારોહનું મંગલદીપ પ્રગટાવી શુભારંભ કરાવતાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે આજે  એજયુકેશન હબ બનીને દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આ સંસ્થા દ્વારા ઉપલબ્ધ અભ્યાસક્રમો દેશ માટે રાહબર બનશે. તેમણે ઉમેર્યું કે, પબ્લીક  પ્રાઇવેટ પાર્ટનરશીપ  દ્વારા શરૂ કરાયેલ આ સંસ્થામાં કેન્દ્ર સરકારનો પ૦ ટકા, રાજ્ય સરકારનો ૩પ ટકા તેમજ જી.એસ.એફ.સી., જી.ઇ.આર.એમ.આઇ. અને ટી.સી.એસ. પ્રત્યેકનો પાંચ-પાંચ ટકા હિસ્સો રહેશે. આ માટે રાજ્ય સરકારે પ૦ એકર જમીન વડોદરા ખાતે ફાળવી છે. જેમાં ઝડપથી આ કામગીરી હાથ ધરાશે. આ વર્ષે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ માટે સવલતો ઉભી કરવામાં આવી છે.

શિક્ષણ  રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની જાળવણી સાથે શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આજના વિકસતા જતા યુગમાં છાત્રશક્તિ એ જ રાષ્ટ્રશક્તિ છે ત્યારે યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસે તેમજ શિક્ષણની સાથે ચારિત્ર્યનું ઘડતર થાય તે અનિવાર્ય છે. તેમણે કહ્યુ કે રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના વ્યાપ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર જયંતી રવિએ આઇ.આઇ.આઇ.ટી., વડોદરામાં શરૂ થનાર અભ્યાસક્રમો અંગે સવિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું કે, આ સંસ્થામાં ધો.૧ર પછીના ચાર વર્ષના બી.ટેક. ડીગ્રીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો શરૂ કરાશે.

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, વડોદરાના ડાયરેકટર ર્ડા. સહશ્ર બુદ્ધે સ્વાગત પ્રવચન કરીને સંસ્થાની વિગતો આપી હતી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.  INFO BY GGN NEWS

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો